મંત્ર (૧૦૪) ૐ શ્રી ગુણગ્રાહિણે નમઃ

Submitted by swaminarayanworld on Thu, 03/03/2016 - 8:53pm

મંત્ર (૧૦૪) ૐ શ્રી ગુણગ્રાહિણે નમઃ

શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમે ગુણગ્રાહી છો, કેવા ગુણગ્રાહી છો ? શ્રીજીમહારાજ આપણને શીખવે છે. જેને સત્સંગમાં આગળ વધવું હોય તેણે બધામાં ગુણ લેતાં શીખવું, અવગુણ ક્યારેય લેવો નહિ. ગુણ લઇએ તો આપણામાં સદ્‌ગુણો ટકે, ને અવગુણ લે, તો સત્સંગમાંથી પાછો હટતો જાય, વિવેકીને પોતાની ભૂલ દેખાય ને અવિવેકીને બીજાની જ ભૂલ દેખાય.

-: પાત્ર આખું છલકાઇ ગયું :-

ભગવાન સ્વામિનારાયણ એક વખત સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા, બધાને પીરસી દીધું, હતું તે બધું પીરસાઇ ગયું, તેમાં એવું બન્યું કે મુકતાનંદસ્વામી વાંસે રહી ગયા. હવે શું કરવું ? ભોજન ખલાસ થઇ ગયું. સંતો ઊભા થઇ રહ્યા, સંતો કહે કાંઇ વાંધો નહિ, આજે ફળ ફુલ જમી લેશું, શ્રીજીમહારાજ ‘‘કહે એમ ન ચાલે,’’ શ્રીજીએ તુરત સાદ પાડ્યો, ‘‘હે સંતો ! કોઇ જમશો નહિ, એક એક કોળીયો આ મુકતાનંદસ્વામી અને પ્રેમાનંદસ્વામીના પાત્રમાં મુકજો, એ બાકી રહી ગયા છે.’’

ઉદાર મનના થઇને અડધું ભોજન ઠલાવી ન દેશો, એક એક કોળીયો બેય સંતોના પાત્રમાં મુકવાનો છે, બે સંતો પંક્તિમાં ફરે બધા સંતો એક એક કોળીયો પાત્રમાં પધરાવે, બીજાનાં પાત્ર અડધાં કે પોણાં ભરેલાં છે, પણ મુકતાનંદસ્વામીનું અને પ્રેમાનંદ સ્વામીનું પાત્ર આખું છલકાઇ ગયું.

શ્રીજીમહારાજે કહ્યું ‘‘સંતો ! આ રીતે આપણે બધામાંથી થોડો થોડો ગુણ લેતાં શીખીએ તો પાત્ર છલકાઇ જાય. માનવ માત્રમાં એકાદ ગુણ તો હોય જ છે, દૃષ્ટિ દિવ્ય હોય, પવિત્ર હોય તો ગુણ દેખાય, યુધિષ્ઠિર રાજાની દૃષ્ટિ ગુણવાન હતી તો એને બધા ગુણવાન દેખાયા. અને દુર્યોધનની દૃષ્ટિ દુષિત હતી તો બધા એને દોષિત દેખાયા.’’

શ્રીજીમહારાજ સંતોને માધુકરી ભિક્ષા લેવા મોકલતા. એક જ ઘરનું અન્ન નહિ લેવાનું, બધાના ઘરનું ભોજન જમે, જેમ મધમાખી બધા પુષ્પોમાંથી થોડો થોડો રસ લે છે. પુષ્પને દુઃખ ન થાય ને ખબર પણ ન પડે, એ રીતે રસ લે, અને એજ માખી જો કરડે તો એવો ડંસ મારે કે શરીરે સોજો થઇ જાય. પણ પુષ્પ ઉપર બેસે ત્યારે એજ મોઢાંથી રસ ખેંચે, અને એ માખી કાદવમાં બેસે તો એમાંથી એને રસ મળી જાય, કાદવમાં કાંઇ રસ ન હોય, છતાં મધમાખીને એમાંથી રસ મળી જાય છે. બધો રસ ભેગો કરી એવું મીઠું મધ બનાવે આપણે પણ કહીએ કે મીઠું મધ જેવું છે. મધમાખી કાદવમાંથી પણ સાર ગ્રહણ કરે છે. તેમ ભગવાન કહે છે, તમે દરેકમાંથી ગુણ લેતાં શીખજો, કાગડો ખરાબ વસ્તુને પકડશે, મધમાંખી જેવા થવું પણ કાગડા જેવા ન થવું.

ભગવાન કેવો ગુણ લે છે ? અલ્પ ગુણને પણ અમલ કરે, જુનાગઢનો નવાબ મુસલમાન હતો, સહુએે ના પાડી કે, જુનાગઢમાં મંદિર નહિ બાંધવા દઇએ. બ્રહ્માનંદ સ્વામીએ ઘણું સમજાવ્યું, તો પણ બધા રાજકારણીઓએ મનાઇ કરી, મંદિર નહિ બાંધવા દઇએ, પણ એક નવાબે રજા દીધી. ખુશીથી બેધડક થઇને મંદિર બનાવો, હું બેઠો છું, હું અનુમતિ આપું છું. મંદિરનો અને સંતોનો પક્ષ રાખ્યો. બધાને હિંમત આવી ગઇ. સુંદર મંદિર બાંધવાની તૈયારી થઇ ગઇ. વરસો વીત્યા પછી નવાબ બીમાર થયો, ત્યારે સંતોને લઇને શ્રીજીમહારાજ નવાબને ધામમાં તેડવા માટે આવ્યા.

મુસલમાન હોવાથી નવાબે તે વખતે દારૂ પીધેલો, એની દુગધને લીધે ભગવાને નાસિકા આડો રૂમાલ દીધો. ભગવાન એક રૂપે ગઢપુરમાં બિરાજે છે, ત્યાં નાસિકા આડો રૂમાલ દીધો, ત્યારે ભકતોએ પૂછ્યું, પ્રભુ તમે નાસિકા આડો રૂમાલ કેમ દીધો ? ‘‘ત્યારે શ્રીજીમહારાજે કહ્યું અમે નવાબને તેડવા ગયા હતા, દારૂની દુગધથી બચવા રૂમાલ આડો દીધો,’’ નવાબે કાંઇ નહોતું કર્યું, પણ મંદિરનો પક્ષ રાખવાના ગુણને લીધે શ્રીજીમહારાજ એને ધામમાં તેડી ગયા. નહીંતર દારૂ પીનારો નરકમાં પડે, પણ અલ્પ ગુણને પ્રભુએ મહાન ગણી લીધો. એવા ભગવાન ગુણ ગ્રાહક છે. ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ છે.