મંત્ર (૧૦૧) ૐ શ્રી યમદૂતવિમોચકાય નમઃ

Submitted by swaminarayanworld on Thu, 03/03/2016 - 8:49pm

મંત્ર (૧૦૧) ૐ શ્રી યમદૂતવિમોચકાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમે યમદૂતના પાશથી છોડાવનારા છો, કોને છોડાવો છો ? જે તમારું શરણું લે છે તેને યમદૂતોના મારથી બચાવો છો. બાકી પાપીને તો બરાબર સજા ભોગવાવો છો. હરિનું સ્મરણ કરે તો જ યમદૂતના મારથી બચી શકે.

તમારું કપાળ સાવ કોરું હોય, તિલક ચાંદલો ન કર્યો હોય, કંઠમાં તુલસીની કંઠી ન હોય તો યમદૂતને એમ થાય કે આ ધણી વગરનો ઢોર રખડે છે. તેને પકડીને યમપુરીમાં લઇ જાય. ન ખાવાનું ખાય, દારૂ પીવે, એકાદશીના અનાજ ખાય, વ્યભિચાર કરે, ચોરી કરે, મા બાપને દુભાવે, સંત બ્રાહ્મણની આજીવિકા તોડી નાખે, દ્રોહ કરે, વગર વાંકે ગરીબને પજવે, હેરાન કરે, જીવ જંતુને મારે, એવાં મહાપાપ કરે, તેને યમરાજા યમપુરીમાં લઇ જઇને સજા કરે છે. ત્યારે તે કારમી ચીસો પાડે છે, આક્રંદ કરે છે, મને બચાવો..... મને બચાવો.... પણ ત્યાં કોણ બચાવે ?

આવેંગે જમ આવેંગે હરિ ભજન વિના જમ આવેંગે.

હરિજન દેખકે હાંસી કરત વાંકે, મુખમેં આગ જરાવેંગે. હરિ૦

ઘણા માણસો ખોટી અવળાઇ કરે... વાતની વાતમાં સંતોની અને ભકતોની નિંદા કરે, નિંદા એની દાઢે ચડી જાય... ધ્યાન રાખજો, કરેલાં કર્મ ભોગવવાં પડશે, મોઢામાં સળગતા અંગારા નાખશે, ત્યારે ખબર પડશે.

કીર્તન કથા સુણે નહિ તાકે, શ્રવણ મેં સીસા ઠરાવેંગે. હરિ ભજન૦

કથા સાંભળે નહિ તો વાંધો નહિ, પણ સંત વાંચતા હોય એની નિંદા કરે તો કાનમાં ગરમ સીસું રેડે છે, ત્યારે જીવ પાણી વિના જેમ માછલું તરફડે તેમ તરફડે છે.

-: જમનો માર ખમાતો નથી :-

શોભારામ અને પીતાંબર બે સગા ભાઇ હતા. એક જ માતા પિતા થકી જન્મ થયો હોય, પણ બધા ભાઇ સરખા ન હોય. શોભારામ ફાવે તેમ બોલ્યા જ કરે, ભાઇ પીતાંબર સંત સમાગમ કરવા જાય, તો એનાથી બાઝે, સાધુડા પાસે શું કરવા ગયો હતો ? એ સાધુડા તને શું નોકરી આપશે ? એના કરતા ખેતરમાં ખેતી કરવા આવ્યો હોત તો ? મોટો ભગતડો થઇ ટીલાં ટપકાં કાઢીને રખડે છે, મૂકી દે એ બધું ધતિંગ છે, ન મળ્યું ખાવા તેથી થયા બાવા, એની પાસે જવાથી તને શું મળે છે ? નકામો હેરાન થઇશ, સત્સંગની ખૂબ નિંદા કરે, સંતોની નિંદા કરે, ભકતોની પણ નિંદા કરે. નિંદા ન કરે તો રોટલો ન ભાવે.

એક દિવસ એને સંતો મળ્યા અને સંતોએ કહ્યું, ભલો થઇને ભજન કર અને નિંદા છોડી દે, નહિતર યમપુરીમાં જઇશ ને માર ખાઇશ. શોભારામ કહે દીઠી તમારી યમપુરી, એ બધું કાંઇ છે જ નહિ, તમે બધા ભેગા થઇને ધતિંગ ઊભું કર્યું છે. માણસોને ખોટા ખોટા બીવડાવો છો. સંતોએ દૃષ્ટિ કરી મૂકી દીધો યમપુરીમાં, ત્યાં બરાબર જેવો યમદૂતોએ પકડ્યો, અરે !!! પાપી સત્સંગીની નિંદા કરે છે ? એમ કહીને ધડાક દઇને પાંચ દશ ધોકા માર્યા. ઓલ્યો રાડો પાડે, મૂકી દો, હવે નહિ કરું, મૂકી દો, યમદૂતો કહે મૂકી કેમ દઇએ ? બરાબર લાગમાં આવ્યો છે, એમ કહી ગોદા ભરાવે.

બરાબર જેવો માર્યો, બધા સાંધા નરમ કરી નાખ્યા. શરીરમાં કાળી કળતર થાય, પછી દેહમાં આવ્યો તરત સંતોના પગ પકડી લીધા. સ્વામીજી ! હું જીવીશ ત્યાં સુધી હાંડકાં કળશે, મને એમ હતું કે આ બધું ખોટું છે. હવે નક્કી થયું કે, આ જગતની અંદર જે ગુહ્નો કરે છે, તેને સરકાર પકડીને મારે છે, તેમ ભગવાનની સરકાર પણ છે, અહિ તો લાંચ રૂશવતથી છૂટી શકાય પણ ત્યાં કાંઇ ચાલે નહીં.

સ્વામીજી ! હવે ક્યારેય કોઇની નિંદા નહિ કરું, મને નિયમ ધર્મની રીત શીખવાડો, ત્યારે સંતોએ વર્તમાન ધરાવી કંઠી બંધાવીને પૂજા આપી અને સત્સંગની રીત ભાત શીખવાડી, સત્સંગી કર્યો.

યમદૂતોના મારથી બચવાનો એક જ ઉપાય છે, ભગવાનની આજ્ઞાનું પાલન કરી, ભગવાનની ભક્તિ કરો. હાલતાં ચાલતાં પ્રભુના નામનો જપ કરો,

સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સાદે ગાય, સાંભળીને યમદૂતો તેને દૂરથી લાગે પાય...

ભગવાન યમદૂતના પાસથી છોડાવનારા છે.