મંત્ર (૧૦૦) ૐ શ્રી મનોનિગ્રહયુક્તિજ્ઞાય નમઃ

Submitted by swaminarayanworld on Thu, 03/03/2016 - 7:41pm

મંત્ર (૧૦૦) ૐ શ્રી મનોનિગ્રહયુક્તિજ્ઞાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમે મનના નિગ્રહની યુક્તિના જ્ઞાતા છો, મન જીતવાની યુક્તિને જાણનારા છો, મનને વશ કરવાનું તમે બરાબર જાણો છો. એક ભગવાનના સ્વરૂપમાં મનને જોડી રાખવું, એજ મનનો નિગ્રહ છે. વૃત્તિરૂપી દીકરીને સદ્‌ગુણોરૂપી શણગાર સજાવી મક્કમ કરી, પ્રભુની સાથે પરણાવવાની છે.

દીકરી માને ઘેર હોય ત્યારે તેને કુંવરી કહેવાય, પરણે પછી એને સધવા કહેવાય. પતિ સાથે સત્યતાથી જીવન જીવવાનું શરું કરે, એટલે સધવા કહેવાય, પણ સોહાગણ ન કહેવાય, સોહાગણ ત્યારે કહેવાય, જ્યારે એના ઉદરમાં સંતાન પોષાય, એના ઉદરમાં બીજનું રોપણ થાય ત્યારે સોહાગણ બને. ભગવાનના ભક્તને પણ સોહાગણ થવાનું છે. ભગવાનના નિશ્ચયરૂપી ગર્ભનું હૃદયમાં રોપણ થાય ત્યારે. તેના થકી ભક્તિરૂપી ફળ ઉત્પન્ન થાય છે.

સ્ત્રી જેમ પોતાના ગર્ભનું જતન કરે છે. તેમ ભગવાનના ભકતે જતન કરવું, નિશ્ચયરૂપી ગર્ભનો સ્રાવ ન થઇ જાય. વૃત્તિને કુંવારી ન રાખતાં એને સોહાગણ બનાવવા આપણા સંતોએ વૃત્તિને પ્રભુ સાથે પરણાવી છે.

મુને કીધી સોહાગણ કાન, દોષ ન જોયા રે; તમે ગુણ સાગર ગોપાળ, મુજ પર મોહ્યા રે.

જેને ભગવાનનો નિશ્ચય છે, તે જીવ જગદીશ સાથે પરણી ચૂક્યો, સાચી હકીક્તમાં તો સોહાગણ છે, અખંડ સોહાગી છે.

મુને આપ્યો અખંડ સોહાગ, કુંજવિહારી રે; મુકતાનંદ કહે મહારાજ !, જાઉં બલિહારી રે.

મનને લીલાચરિત્રમાં જોડી દેવું, લીલા ચરિત્રના ચિંતનમાં ગૂંચવી મૂકવું, ઊંઘનો અવકાશ વધવા ન દેવો. આ મંત્રનો મૂળ આશય છે કે, ચંચળ મનને જગતની વિવિધ વસ્તુઓ તરફથી પાછું વાળવું જોઇએ. મનને વશ કરવું બહુ કઠીન કામ છે. ન થઇ શકે તેમ પણ નથી. તમે દુકાને જાઓ ત્યારે મનનો નિગ્રહ થાય છે, અને વ્યવસ્થિત વેપાર કરો છો. ખોટ ન જાય તેની સતત કાળજી રાખો છો. પૈસા ગણો ત્યારે મન કેમ આડુ અવળું જતું નથી ? ખબર છે દોડશે તો પૈસા વધઘટ થઇ જશે. મનનો નિગ્રહ થાય ત્યારે પૈસા પૂરે પૂરા ગણી શકીએ છીએ.

-: ભગવાનને અતરમાં ઉતારવા :-

મનનો નિગ્રહ થાય છે ખરો, પણ ભગવાનમાં મનનો નિગ્રહ જલદી થતો નથી, વ્યવહારિક કાર્યમાં થાય છે. સંસારના પદાર્થોમાંથી આસક્તિ છૂટે તો મનનો નિગ્રહ પ્રભુમાં અવશ્ય થાય. સત્સંગ કરવાથી મન જીતાય છે. ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે, એકલા ઉપવાસો કરીને મન નહિ જીતાય, એકલા આત્મજ્ઞાનથી મન નહિ જીતાય, આ બન્નેનો સમન્વય થશે ત્યારે અતરશત્રુઓ જીતાશે. મનને જીતવાની કથા વચનામૃતમાં છે, એનું સેવન કરે તો મન જીતી શકાય.

મનને જીતવાનું સાધન શું ? મનને જીતવાનું સાધન નવધા ભક્તિ છે, ભક્તિ કર્યા વગર નવરું ન રહેવું, ભગવાનને નિરખી આંખ દ્વારા ભગવાનને અતરમાં ઉતારવા, ભગવાનને ચડેલાં પુષ્પોથી નાસિકા દ્વારાએ ભગવાનને અતરમાં ઉતારવા, કીર્તન ભજન ગાઇ વાણી દ્વારાએ ભગવાનને અતરમાં ઉતારવા, કથા વાર્તાના શ્રવણથી કાન દ્વારાએ ભગવાનને અતરમાં ઉતારવા, ભગવાનના ગુણગાન ગાઇ મુખ દ્વારા ભગવાનને અતરમાં ઉતારવા. મન, બુદ્ધિ, ચિત્ત આદિ ઇંદ્રિયો દ્વારા ભગવાનનો સંબંધ રાખવો.

ભગવાનને હું બાથમાં લઇને મળું છું, ત્વચા દ્વારા અતરમાં ઉતારવા, આવી રીતે ભગવાનને ધારતાં ધારતાં એના તમામ વિકારો શાંત થઇ જાય અને મનનો નિગ્રહ ભગવાનમાં થાય. મનને અનુકૂળ હોય તે સુખ જણાય. મનને પ્રતિકૂળ હોય તે દુઃખ જણાય. જગતમાં સુખ કે દુઃખ કાંઇ છે જ નહિ, મનનું ગમતું થાય તો સુખ અને મનનું ગમતું ન થાય તો દુઃખ, જીતમ્‌ જગત કેન મનો હિ યેન, જેણે મન જીતિયું તેણે જગત જીત્યું, આખું વિશ્વ જીતી લીધું.

ચંચળ મનને જીતવું, સ્થિર કરવું એ કાંઇ છોકરાંનો ખેલ નથી. મનને પકડવું બહુ કઠણ છે. જ્યારે પવન ફૂંકાતો હોય, ભયંકર આંધીઓ આવતી હોય, ત્યારે કોઇક કહે કે હું પવનને સ્થિર કરી દઉં એ ક્યાંથી બને ? એ અશક્ય કામ છે. તમારા ઘરની અંદર પંખો ચાલતો હોય તો તમે સ્વીચ ઓફ કરો તો પવન સ્થિર કરી શકો, પણ ધરતી ઉપર ફૂંકાતા પવનને કોઇ સ્થિર કરી શકે નહિ. તેજ રીતે મનને સ્થિર કરવું, એ કામ બહુ દુષ્કર છે. મુકતાનંદસ્વામીએ તેની નોંધ લીધી છે.

પીંપર પત્ર પતાક પટ, વિદ્યુત કુંજર કાન । મુક્ત કહે મનુજાદ જ્યું સ્થિર ન રહત એક ધ્યાન ।।

પીપડાનું પાદડું, ધજાનું કાપડ, આકાશની વીજળી અને હાથીનો કાન ક્યારેય પણ સ્થિર રહી શકતા નથી, તેમ મુકતાનંદસ્વામી કહે મન એક પલવાર પણ સ્થિર રહેતું નથી.

અને મન ખાલી ચંચળતાવાળું જ નથી, એ થોડી વારમાં બેચેન પણ બનાવીને મૂંઝવણમાં પણ મૂકી દે, છોકરાં જેવું હઠીલું છે, હઠ પકડે તો સમજી શકાતું નથી, પરાણે જીવને માયામાં ખેંચે છે, એ મનને અભ્યાસથી વશ કરી શકાય, મન ભૂત જેવું છે, નવરું પડશે એટલે જીવને ખાવા તૈયાર થશે, તો શું કરવાનું ? ભગવાનની મૂર્તિરૂપી વાંસમાં મનને જોડી દેવું. ભગવાનનાં લીલા ચરિત્રોને વારંવાર યાદ કરવાં, કીર્તન ગાવાં, શીખવાં વિગેરે નવધા ભક્તિમાં મનને જોડી દેવું. આનું નામ અભ્યાસ.

અખંડ ચિંતનરૂપી અભ્યાસથી મન જીતાય છે, અને શાંતિ થાય છે, મનને વશ રાખજો પણ મનને વશ થશો નહિ, નહિતર એ આડા અવળા વિચારોમાં ખેંચી જશે, મનનો નિગ્રહ ભગવાનમાં કરે તો શું થાય ? યમદૂતના દંડથી બચી જાય. આના પછીનો મંત્ર છે તે સરખી રીતે સમજીએ.