મંત્ર (૯૨) ૐ શ્રી વિનયવતે નમઃ

Submitted by swaminarayanworld on Wed, 02/03/2016 - 9:30pm

મંત્ર (૯૨) ૐ શ્રી વિનયવતે નમઃ

શતાનંદસ્વામી કહે છે. હે પ્રભુ ! તમે ખૂબ વિનયવાન છો. સાથો સાથ વિવેકી પણ છો. પ્રભુ તમે સર્વે ગુણો તમારામાં સમાવી રાખો છો. ગુણના સાગર છો. છતાં પણ કયારેય વિવેક ચૂકતા નથી. ભગવાન કેવા વિનયવાન છે ? બધાં ઉપર સમદૃષ્ટિ રાખે છે, યોગ્ય રીતે જીવને અપનાવે છે.

શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, જે જીવનું જેવી રીતે સન્માન કરવું જોઇએ તેનું તેવી રીતે સન્માન કરવું, પણ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. ભગવાન સ્વામિનારાયણ વિનય અને વિવેકના નિધિ છે, વિદ્યા વિવેક અને વિનયથી જ શોભે છે.

-: પ્રભુ વિનયના સાગર છે :-

ભગવાન કેવા વિનયવાન છે ? પ્રભુ સિંહાસનમાં બેઠા અને રાજા આવે અથવા કોઇ મહાન સંતો આવે તો તેને સભામાં આગળ બેસાડે. કોઇ પ્રેમી ભક્ત ભેટ લઇને આવે તો ઢોલિયા પરથી ઊભા થઇ, સામે ચાલીને પ્રેમથી હસતાં હસતાં ભેટ સ્વીકારે. આવા વિનયવાન છે. જેતલપુરમાં જીવણ ભક્ત મઠના રોટલાનો થાળ લઇને ભાવથી ભગવાનને જમાડવા આવ્યા, ત્યારે શ્રીજી મહારાજ સામેથી થાળ લેવા ગયા. આ રીતે ભક્તને આનંદ આપીને ભાવ વ્યક્ત કરે છે. ‘‘આ રોટલામાં તો અમૃત જેવો સ્વાદ છે’’ પછી ભક્તજનોને પ્રસાદ આપ્યો પ્રભુ વિનયના સાગર છે.

ધર્મકુળ જ્યારે છપૈયાથી વડતાલ આવ્યું ત્યારે પ્રભુ સ્વામિનારાયણ મોટાભાઇ રામપ્રતાપજીને બાથમાં ભેટીને પગે લાગ્યા. આખું જગત જેને પગે લાગે તે પોતાના ભાઇને પગે લાગે. કુશળતા પૂછે અને સારી રીતે સરભરા પણ કરે. ને બીજાથી કરાવડાવે. ભગવાન સ્વામિનારાયણે વાણી અને વર્તનમાં વિનય શીખવ્યો છે. પોતે વિનયવાન છે તેથી આખા જગતના બાપ છે. છતાં માનવ થઇને આ પૃથ્વી પર પધાર્યા. ત્યારે દરરોજ મા બાપને પગે લાગે. મોટાભાઇને પગે લાગે. ભાભીને પગે લાગે. કોઇ વડીલ છપૈયામાં આવે ત્યારે નત મસ્તકે પ્રણામ કરે. ખૂબ વિનયવાન છે. આંગણે આવેલાનું સન્માન કરે, બેસવા આસન આપે, પાણી આપે અને સાથે બેસીને જમે, સરસ મજાનો આવકાર આપે.

ભગવાન કેવા વિનયવાન છે ! સામે પગલે ચાલીને ગરીબ ભક્તજનોની સેવા સ્વીકારે. સુદામાજી દ્વારિકામાં મળવા આવ્યા ત્યારે ભગવાન દ્વારિકાધીશ દોડતા દોડતા બે બે પગથિયાં ઉતરતા આવીને સુદામાનો હાથ ઝાલીને રાજદરબારમાં લઇ આવ્યા. સુદામાનાં ચરણ ધોઇને સ્વાગત કર્યું. સારી રીતે જમાડ્યા. ગરીબના હૃદયને સંતોષ થાય એ રીતે પ્રભુ વાતો કરે, એને કોઇ વાતની કમી ન હોય, છતાં વિનયવાન કેવા કે, સાવ સાદી ભેટને પણ પ્રેમથી સ્વીકારે, બધાંને રાજી રાખે.

-: ભગવાન સિવાય બીજું કાંઇ વહાલું રાખતા નહિ :-

શ્રીજીમહારાજ ઘેલા નદીમાં સ્નાન કરીને દરબાર તરફ આવતા હતા. રાત્રિના નવ વાગ્યા છે. જીવા ખાચરની ડેલી પાસે એક ભિખારી બેઠો હતો, તે બૂમો પાડતો હતો કે, હું ભૂખ્યો છું મને જમવાનું દો.... ભગવાને તેને રોટલા આપ્યા. પછી રાજી થઇને છાતી ઉપર જમણો ચરણારવિંદ મૂક્યો. અને મોક્ષનું દાન આપી દીધું. આપણે પણ ખરેખર ભગવાનના ધામમાં જાવા માટે તૈયાર રહેવું. ભગવાન જ્યારે તેડવા આવે ત્યારે એમ ન કહેવું કે, મારે આટલું કામ હજી બાકી છે, ભલા થઇને બાકી રાખતા નહિ. જો બાકી રાખ્યું તો ભૂંડા હાલ થશે.

ડભાણમાં એક ડોશીમા હતાં. તેણે પોતાના તેર રૂપિયા ઘંટી નીચે દાટ્યા હતા. પછી તે બિમાર થયાં, ત્યારે શ્રીજીમહારાજ તેડવા આવ્યા, ત્યારે ડોશીમાએ કહ્યું મહારાજ ! તેર રૂપિયા મારી દીકરીને સોંપવા દો, ત્યાર પછી આવીશ’’ તે સાંભળી મહારાજ ચાલ્યા ગયા. અને તે બાઇ ભૂત થયાં દીકરીને રૂપિયા અપાયા નહિ. ને ધામમાં પણ જવાયું નહિ.

સ્ટેશનમાં આપણે કોઇકની સાથે વાતો કરતા હોઇએ અને બસ આવે તો જલદી બસમાં બેસી જઇએ છીએ. જીવન પણ એમ જીવજો. ભગવાન સિવાય બીજું કાંઇ વહાલું રાખતા નહિ. ભગવાન વિનયવાન છે, વિવેકી છે, દયાળુ છે, તે તમામ જીવ પ્રાણીમાત્રનું હિત કરનારા છે, પણ આપણને સાવધાન રહેવું જોઇએ અને વિવેક રાખતાં શીખવું જોઇએ. નમ્રતા રાખવી એ જ સંતની શોભા છે. સત્સંગની શોભા છે.