મંત્ર (૨૮) ૐ શ્રી તીર્થકૃતે નમઃ

Submitted by swaminarayanworld on Sat, 27/02/2016 - 4:35pm

મંત્ર (૨૮) ૐ શ્રી તીર્થકૃતે નમઃ

સ્વામી શતાનંદજી કહે છે, પ્રભુ ! તમે તીર્થમાં વિચરનારા છો, આપણે તીર્થ કરવા જઈએ છીએ, પણ આપણે ફરીએ અને ભગવાન ફરે એમાં ઘણો ફેર છે. આપણે તીર્થમાં જઈએ તો પાવન થઈએ, ભગવાન પાવનકારી છે, પ્રભુ તીર્થ કરવા ગયા એટલે તીર્થ પાવન થયાં, અધર્મીઓ, અસુરો, દુરાચારીઓએ, તીર્થનું તીર્થત્વ ઝાંખું કરી નાખેલું, તેને પાવન કરવા પ્રભુ તીર્થ કરવા પધાર્યા છે.

પ્રભુએ તીર્થમાં ફરી તીર્થનો મહિમા વધાર્યો. પ્રભુ જયાં જયાં ફરે તે બધાં તીર્થ બની જાય, પવિત્ર બની જાય, ભગવાન નીલકંઠવર્ણી પાસે મૂર્તિમંત હિમાલયના અડસઠ તીર્થો, નવસો નવાણું નદીઓ, બધાં માનવરૂપ ધરીને આવ્યાં અને વિનંતિ કરી કે, પ્રભુ ! આ સંસાર આખો સળગ્યો છે, ચારે બાજું અનીતિ, અત્યાચાર, અદેખાઈ, છળ, કપટ અને પાખંડ વધી ગયા છે, તો આપ અધર્મને દૂર કરો, અમારાથી આ પાપ જોવાતું નથી, અને સહેવાતું નથી. અમારાં પવિત્ર જળાશયોને દૂષિત કરે છે, માટે આપ પધારો અને અમારા જળમાં સ્નાન કરી પવિત્ર કરો.

હે પ્રભુ ! લોગા કે મનમેં સિર્ફ અજ્ઞાન ફૈલ ગયા હૈ, વૈદિક રાસ્તાકા લોપ હુઆ હૈ, તો વહાં વૈદિક માર્ગકા પુનઃ સ્થાપન કીજિયે, જીસસે ભાવિક લોગાકા સદા કે લીએ વ્યાવહારિક ઓર અધ્યાત્મિક માર્ગ પર માર્ગદર્શન મિલતા રહે.

પ્રભુ બોલ્યા, તીર્થરાજ ! તમે ચિંતા ન કરો, હું વનવિચરણ કરવા માટે નીકળ્યો છું. સર્વ દેશોમાં સર્વ સ્થળે, સદાકાળ માર્ગદર્શન મળે એવા શાસ્ત્રોની રચના કરીશ, પવિત્ર સનકાદિક અને શુકદેવજી જેવા સંતો તૈયાર કરીશ, જેથી એવા પવિત્ર સંતો સાથે અમો સ્નાન કરીને તમારી ઈચ્છા પૂરી કરીશું.

-: યાત્રામાં અને ફરવામાં બહુ ફેર છે :-

આપણે તીર્થ કરવા જઈએ છીએ, પાવન થવા. પાપ ધોવા, પણ પ્રભુ તીર્થ કરવા ગયા છે તીર્થને પાવન કરવા, ને મહિમા વધારવા. જયાં સરોવર દેખાય, ત્યાં પ્રભુ સ્નાન કરે, (ટારો ન દે) તમે યાત્રા કરવા જાઓ અને પવિત્ર નદીઓ આવે, ગંગા, જમુના, સરયુ વગેરે તેમાં સ્નાન કર્યા વિના ચાલ્યા જાઓ તો તીર્થનું અપમાન કર્યાનું પાપ લાગે. તેથી પવિત્ર નદીમાં અવશ્ય સ્નાન કરવું જ જોઈએ. ત્યાંનાં મુખ્ય દેવાલય હોય તેમાં અવશ્ય દર્શન કરવાં જ જોઈએ. સમય મળે, સંપત્તિ મળે, શારીરિક શકિત અને શ્રધ્ધા સરસ હોય ત્યારે એક વખત જરૂર યાત્રા કરવા જજો.

તીર્થે જાને રે તું તો તીર્થે જાને, માનવ જા જા જા જા ને તું તો તીર્થે જાને....

સંત સાચાની વાત કથા સાંભળજે કાને,

નારાયણનું નામ લેતાં ગંગાજી ન્હાને.. તીર્થે જાનેરે .....

તમે યાત્રા કરવા જાઓ અને મંદિરમાં દેવ દર્શન ન કરો, પવિત્ર નદીઓમાં સ્નાન ન કરો, સંત સેવા ન કરો, અને હોટલમાં રોકાવ, અને હોટલમાં જમો, કીર્તન ભજન કાંઈ ન કરો, ખાઈ પી ને જલસા કરો, બાગ બગીચામાં ફરવા જાઓ, એને યાત્રા ન કહેવાય એને ફરવા ગયા કહેવાય, તો યાત્રા કોને કહેવાય ?

મંદિરમાં શાંતિથી દર્શન કરો, પ્રદક્ષિણા કરો, સાધુ સંતને જમાડો, પવિત્ર રજ માથે ચડાવો, કથા કીર્તનનો લાભ લ્યો, મંદિરમાં રાત રોકાવ, સવારે મંગળાનાં દર્શન કરો, આજુ બાજુમાં પ્રસાદીનાં સ્થાનનાં દર્શન કરો, અને પવિત્ર જળાશયોમાં સ્નાન કરો. એને યાત્રા કહેવાય. પ્રભુની લીલાનું સ્મરણ કરો એને યાત્રા કહેવાય.

યાત્રા કરવા જાઓ ત્યારે ખ્યાલ રાખજો, યાત્રાની નિંદા ન થઈ જાય. જોયું નારાયણસરોવર ? ત્યાં કાંઈ નથી, બધાં માંગણ ભેગા થયા છે, માગ્યા જ રાખે, કોઈ જમવાનું પૂછે નહિ. અલ્યા તમે યાત્રા કરવા ગયા છો કે નિંદા કરવા ગયા છો ? ધ્યાન રાખજો બધું બદલી જશે, પણ ધરતી માતા બદલાતાં નથી, ધરતી એની એજ છે, મહિમા પવિત્ર ધરતીનો છે, પવિત્ર મંદિરોનો છે, પવિત્ર દેવોનો છે, પવિત્ર પ્રસાદીનાં સ્થળોનો છે. પણ કોઈ ભોજનનું પૂછનારા વહીવટદારોનો મહિમા નથી. યાત્રામાં ધ્યાન ન રાખે તો પાપ ધોવાને બદલે પાપ ચડી જાય. બહુ સમજવા જેવી આ કથા છે, ભગવાન સ્વામિનારાયણ તીર્થના પણ તીર્થ છે, તીર્થને તીર્થત્વ આપવા તીર્થમાં પધાર્યા છે, એવા નીલકંઠ વર્ણીને નમસ્કાર કરી શતાનંદજી ૨૯ મા મંત્રનો ઊચ્ચાર કરે છે.