મંત્ર (૨૫) ૐ શ્રી અતિધૈર્યવતે નમઃ

Submitted by swaminarayanworld on Sat, 27/02/2016 - 3:53pm

મંત્ર (૨૫) ૐ શ્રી અતિધૈર્યવતે નમઃ

પ્રભુ ! તમે અતિ ધીરજશાળી છો, ધીરજશાળી તો ઘણા હોય, પણ અતિ ધીરજશાળી બહુ ઓછા હોય. ધીરજશાળી કોને કહેવાય ? ગમે તેવો વિકારનો હેતુ ઊત્પન્ન થાય, અતિ અપમાન થાય, છતાં ધીરજ રાખે. ગમે તેવી ગંદી ગાળો દે, છતાં પણ સહન કરે, તમે અતિ ધીરજશાળી છો. ઘણા માણસો વાતની વાતમાં ધીરજ ગુમાવી બેસે છે, મનગમતું જરાક મરડાય તો જોઈ લ્યો એનાં મોઢાનો રંગ, મનગમતું કરવા જ જોઈએ.

-: ધીરજવાળા જ સુર્કીર્તિ મેળવે છે. :-

અમદાવાદનો પ્રસંગ જુઓ, ભગવાન સ્વામિનારાયણે જેતલપુરમાં યજ્ઞો કર્યા, બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણાઓ આપી, આ વાત વૈરાગીઓએ રાજા પેશ્વાને કરી, ઊંધું સમજાવ્યું કે, સ્વામિનારાયણ બ્રાહ્મણ નથી અને વૈદિક મંત્રનો ઊચ્ચાર કરે છે. તેના પાપથી તમારા રાજમાં દુષ્કાળ પડશે. માટે અમારૂં માની જાવ. અને સ્વામિનારાયણને જેલમાં પૂરી દો. રાજા કાનનો કાચો. વાત માની લીધી. પણ સ્વામિનારાયણને પકડવા કેમ ?

પછી યુકિત કરી પોતાના માણસોને મોકલ્યા, "સ્વામિનારાયણ ! ચાલો રાજદરબારમાં અમારા રાજા તમને બોલાવે છે, તમારી પધરામણી કરવી છે, પગલાં કરવા પધારો." પ્રભુ કહે "ભલે, અમે તૈયાર છીએ." હરિભકતોએ કહ્યું, "પ્રભુ ! પેશ્વારાજા આપણો દ્વેષીલો છે, આમંત્રણ દીધું છે, પણ એના પેટમાં દગો છે માટે નથી જવું."

શ્રીજીમહારાજે કહ્યું, "એ તુચ્છ જીવનું શું ચાલશે ? બધા તૈયાર થઈ જાઓ," એકહજાર હરિભકતો અને પાંચસો સંતો તૈયાર થઈ ગયા. પેશ્વાના સિપાઈએ કહ્યું, "આટલા બધાને અંદર નથી આવવાનું... બહાર ઉભા રહો. અંદર બે થી ત્રણ જણા જ ચાલો, શાસ્ત્રાર્થ કરવાનો છે."

અતિ ધીરજશાળી શ્રીજીમહારાજ દરબારમાં પધાર્યા, ત્યાં રાજાએ બે હાથ જોડી નમસ્કાર કર્યા, પધારો. "પધારો, જય સ્વામિનારાયણ." અંતરમાં અદેખાઈ ભરી છે, મારવા સુધીનાં કાવતરાં કર્યાં છે, ને ઊપરથી ભાવ બતાવે છે.

પણ મૂર્ખાઓને ખબર નથી કે, ભગવાન બધું જાણે છે. છતાં શ્રીજીમહારાજ કાંઈ બોલ્યા નહિ, કપટીએ ત્યાં આસન કેવું બનાવ્યું ? ઊંડો ટાંકો છલોછલ તેલથી ભરેલો, તેના ઊપર નાની પાતળી ડાંડરની સરી સરખી રીતે ગોઠવી, તેના ઊપર મખમલનાં સુશોભિત તકિયા, સોનાના તારવાળો સરસ મજાનો ઓછાડ. ભયંકર કાવતરૂં, સ્વામિનારાયણ જેવા બેસશે, તેવા સીધા ટાંકામાં પડશે, પડશે એટલે લોખંડનું ઢાંકણું બંધ કરીને સ્વામિનારાયણને મારી નાખવા. આવો રાજાને દગો કરવો છે.

પાપી રાજા બોલ્યો, "સ્વામિનારાયણ ! આ રાજગાદી પર આપ બેસો, ને પવિત્ર કરી પ્રસાદીની કરી આપો." પ્રભુએ કહ્યું, "આતો રાજગાદી છે. ત્યાગીથી રાજગાદી ઊપર બેસાય નહિ." હસીને પેશ્વો કહે, "નહિ મહારાજ જરાક બેસો, પવિત્ર કરો." એને એમ કે નહિ બેસે તો બાજી બગડી જશે, "મહારાજ ! આપ તો દયાળુ છો, ગાદીને પવિત્ર કરો," ખૂબ આજીજી કરી ત્યારે

શ્રીજીમહારાજે કહ્યું, "ભલે લ્યો પવિત્ર કરીએ."

હતી હાથમાં સોટી જે લાંબી, ગાદી ઊપર જોરથી દાબી ।

તેથી ગાદી ને તકિયો તે વાર, પડ્યા તરત તે ટાંકા મોઝાર ।।

જયાં સોટી દબાવી, ત્યાં ધબ દઈને ગાદી તકિયો પડ્યો ટાંકામાં, અને સાથે આવેલા દેવાનંદ સ્વામીને એકદમ દુઃખ થયું, મગજ તપી ગયો, આ રાજા શું સમજે છે ? હમણાં હતો ન હતો કરી નાખું. શાપ દેવા જયાં હાથ ઊંચો કર્યો, આ અમદાવાદને ડટણ પટણ કરી નાખું. ગમે તેમ થાય આ રાજાને મારી જ નાખું. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, "સ્વામી ! શાંતિ રાખો." ત્યારે દેવાનંદ સ્વામીએ કહ્યું, "મારી નજર સામે મારા ઈષ્ટદેવનું અપમાન કરે છે, જીવતો ન રાખું," રાજા માંડ્યો ધ્રૂજવા, હવે શું થશે ? પ્રભુ અતિ ધીરજશાળી છે, મહારાજે સ્વામીને કહ્યું, "અમદાવાદની ધરતી બહુ પુણ્યશાળી છે, અહીં તો આપણને પુણ્યનું સદાવ્રત ખોલવું છે. સહન કરવું એ સંતનું ભૂષણ છે, બિલકુલ બોલશો નહિ, ઝાઝું બોલવામાં માલ નથી." પ્રભુએ ધીરજ દીધી, ત્યારે સ્વામીને શાંતિ થઈ, રાજા ભાઠો પડી ગયો.

પછી શ્રીજીમહારાજ મોટેરા પધાર્યા. ત્યાં વિશાળ સભા થઈ, ત્યારે ત્યાંના હરિભકતોએ પ્રભુને કહ્યું, હે પ્રભુ ! જેમ તમારું રાજાએ અપમાન કર્યું તેમ અમારું પણ અપમાન કરે છે, તિરસ્કાર કરે છે.

"પ્રભુ ! આપ તો અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ છો, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, દેવ, દેવીઓ બધા જ તમારી આજ્ઞામાં રહે છે, આ સમગ્ર દુનિયાના ધણી તમે છો, ને સૂબો કેમ ધણી થઈ બેઠો છે ? તમે ધારો તેમ કરો છો, છતાં રાજાને સજા કેમ કરતા નથી ?"

પ્રભુએ સરસ જવાબ દીધો, "હે ભકતજનો ! તમે બધા ધીરજ રાખજો, અત્યારે એ રાજાનું જોર છે, સત્તા છે તેથી અભિમાની થઈને ઘુઘવાયા કરે છે. કેટલા દિવસ કરશે ?ગમે તે દિવસે એનું પુર હરાઈ જાશે, અને ઘુઘવાટાનો અંત આવશે, સદાય એવું જ નહિ રહે, એનું રાજય લાંબું ટકશે નહિ. અધર્મીનું રાજ ટકતું નથી. માટે ધીરજ રાખો." આવા ભગવાન ધીરજવાન છે, અને આપણને ધીરજ રાખવાનું શીખવે છે.

ધીરજની ડગલે ને પગલે જરૂર પડે, ધીરજ વિના કોઈ પણ કાર્ય થતું નથી. ધીરજ ન રાખે તો મુશ્કેલીઓ ઉભી થાય છે. ધીરજ રાખવાથી મનમાં શાંતિ રહેશે, ધીરજ રાખવાથી મોટામાં મોટા સંકટને સરલતાથી પાર કરી અને સુખ શાંતિ અનુભવી શકાય છે.

ધીરજવાળા જ સુકીર્તિ મેળવે છે, અને ધર્મ નિયમના પાલનમાં એક મહાન સહાયક બને છે, ધારેલા લક્ષ સુધી પહોંચી શકે છે. ધીરજ ઢાલનું કામ કરે છે. શતાનંદ સ્વામી કહે છે, હે ભકતજનો ! આપણા ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ અતિ ધીરજશાળી છે. તો આપણને પણ ધીરજ રાખવી જોઈએ. અતિધૈર્યવાન શ્રીજીમહારાજને નમસ્કાર કરી અને હવે આગળનો મંત્ર ઊચ્ચાર કરે છે.