૨૬ નરકોની જુદી- જુદી ગતિઓનું વર્ણન

Submitted by swaminarayanworld on Thu, 25/02/2016 - 6:32pm

અધ્યાય - : - ૨૬

નરકોની જુદી- જુદી ગતિઓનું વર્ણન

રાજા પરીક્ષિતે પૂછ્યું , હે મહર્ષિ ! મનુષ્યોને જે આ ઉત્તમ, અધમ, ગતિઓ પ્રાપ્ત થાય છે તેમાં આટલી બધી વિભિન્નતા કેમ છે ? ૧

શ્રી શુકદેવજીએ કહ્યું - હે રાજન્‌ ! કર્મ કરનાર પુરુષ સાત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારના હોય છે. તથા તેમની શ્રદ્ધાઓમાં પણ ભેદ રહે છે. આ પ્રમાણે સ્વભાવ અને શ્રદ્ધાના ભેદથી તેમના કર્મોની ગતિઓ પણ જુદી-જુદી હોય છે અને ઓછા-વધુ પ્રમાણમાં આ બધી ગતિઓ સર્વે જીવપ્રાણીને પ્રાપ્ત થાય છે,૨ એ જ રીતે નિષિદ્ધ કર્મરૂપ પાપ કરનારાઓને પણ તેમની શ્રદ્ધાની અસમાનતાને કારણે સરખું ફળ નથી મળતું. તેથી અનાદિ અવિદ્યાને વશ થઇને કામના પૂર્વક કરવામાં આવેલ તે નિષેધ કર્મોના પરિણામમાં જે હજારો પ્રકારની નારકી ગતિઓ હોય છે, તેમનું વિસ્તાર પૂર્વક વર્ણન કરીશું. ૩ રાજા

પરીક્ષિતે પૂછ્યું - હે ભગવાન ! તમે જેમનું વર્ણન કરવા ઇચ્છો છો, તે નરક આ પૃથ્વીનો જ કોઇ દેશ વિશેષ છે ? અથવા ત્રિલોકીથી બહારનો લોક અથવા એની જ અંદર કોઇ જગ્યા છે ? ૪

શ્રીશુકદેવજીએ કહ્યું - હે રાજન્‌ ! તે ત્રણ લોકની અંદર જ છે તથા દક્ષિણ દિશા તરફ અને પૃથ્વીથી નીચે પાણીની ઉપર (નરક લોક) રહેલ છે. આ જ દિશામાં અગ્નિષ્વાત વગેરે પિતૃગણ રહે છે, તે અત્યંત એકાગ્રતા પૂર્વક પોતાના વંશધરો માટે મંગલકામના કર્યા કરે છે. ૫ તે નરક લોકમાં સૂર્યના પુત્ર પિતૃરાજ ભગવાન યમ પોતાના સેવકો સહિત રહે છે તથા ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા વિના પોતાના દૂતો દ્વારા ત્યાં દુષ્કર્મોને અનુસારે પાપના ફળરૂપે દંડ આપે છે. ૬ હે પરીક્ષિત્‌ ! કેટલાક મનુષ્યો નરકોની સંખ્યા એકવીસ બતાવે છે. હવે અમે તેનાં નામ, રૂપ અને લક્ષણોને અનુસારે તેમનું ક્રમશઃ વર્ણન કરીએ છીએ. તેમના નામ આ પ્રમાણે છે, તામિસ્ર, અન્ધતામિસ્ર, રૌરવ, મહારૌરવ, કુમ્ભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, સૂકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તસૂર્મિ, વજ્રકંટક, શાલ્મલી, વૈતરણી, પૂયોદ, પ્રાણરોધ, વિશસન, લાલાભક્ષ, સારમેયાદન, અવીચિ અને અયઃપાન આ સિવાય અન્ય નરકનાં નામ આ પ્રમાણે છે. ક્ષારકર્દમ, રક્ષોગણ ભોજન, શૂલપ્રોત, દન્દશૂક, અવટનિરોધન, પર્યાવર્તન અને સૂચીમુખ આ સાત છે, કુલ મળીને અઠ્ઠાવીસ ભિન્ન ભિન્ન યાતનાઓ ભોગવવાનાં નરક સ્થાનો છે. ૭ જે પુરુષ બીજાનું ધન, પુત્ર અથવા સ્ત્રીઓનું હરણ કરે છે, તેને અત્યંત ભયાનક યમદૂત કાળપાશમાં બાંધીને બળપૂર્વક તામિસ્ત્ર નરકમાં ફેંકી દે છે. તે અંધકારમય નરકમાં તેને અન્ન-જળ ન આપવું. માર મારવો અને ભય બતાવવો વગેરે અનેક પ્રકારના ઉપાયો દ્વારા પીડા આપવામાં આવે છે. એનાથી અત્યંત દુ:ખી થઇને તે મૂર્છિત થઇ જાય છે. ૮ આ પ્રમાણે જે પુરુષ બીજાને છેતરીને તેની સ્ત્રી વગેરેને ભોગવે છે, તે અંધતામિસ્ર નરકમાં પીડાય છે. ત્યાંની યાતનાઓ ભોગવીને તે કપાયેલા ઝાડની જેમ દુ:ખી થઇને બધી સૂધ-બૂધ ભૂલી જાય છે અને તેને કાંઇ પણ સમજમાં નથી આવતું. તેથી આ નરકને અંધતામિસ્ર કહે છે. ૯ જે પુરુષ આ લોકમાં ‘આ શરીર જ હું છું અને આ સ્ત્રી-ધન વગેરે મારાં છે’ આવી બુદ્ધિથી બીજા પ્રાણિઓનો દ્રોહ કરીને નિરંતર પોતાના કુટુંબનું જ પાલન-પોષણ કરે છે, તે પોતાનું શરીર છોડ્યા પછી પોતાનાં પાપને કારણે પોતે રૌરવ  નરકમાં પડે છે. ૧૦ આ લોકમાં તેણે જે જીવોને જેવી રીતે દુ:ખ પહોંચાડ્યું હોય, તે પરલોકમાં યમયાતનાનો સમય આવતાં તે જીવાત્માને રુરુ થઇને તેવા જ પ્રકારનું દુ:ખ ભોગવવું પડે છે. તેથી આ નરકનું નામ ‘રૌરવ’ છે. ‘રુરુ સર્પથી પણ વધારે ક્રુર સ્વભાવવાળા એક જીવનું નામ છે.’ ૧૧ એવું મહારૌરવ નરક છે. એમાં તે જીવ જાય છે, જે કોઇની પરવા ન કરીને કેવળ પોતાના જ શરીરનું પાલન-પોષણ કરે છે. ત્યાં કાચું માંસ ખાનાર રુરુઓ તેને માંસના લોભથી કાપી-કાપીને ખાય છે. ૧૨ જે ક્રૂર મનુષ્ય આ લોકમાં પોતાનું પેટ ભરવા માટે જીવતા પશુ અથવા પક્ષિઓને રાંધે છે, તે હ્રદયહીન, રાક્ષસથી પણ અધમ પુરુષને યમદૂતો કુંભીપાક નરકમાં લઇ જઇને ઉકળતા તેલમાં રાંધે છે. ૧૩ જે મનુષ્ય આ લોકમાં માતા, પિતા, બ્રાહ્મણ અને વેદની ર્નીંંઈા કરે છે, તેને યમદૂત કાળસૂત્ર નરકમાં લઇ જાય છે. તેનો વિસ્તાર દસ હજાર જોજન છે. તેની જમીન તાંબાની છે . તેમાં જે તપેલ મેદાન છે, તે ઉપરથી સૂર્ય અને નીચેથી અગ્નિના તાપથી તપે છે. ત્યાં પહોંચેલો પાપી જીવ ભૂખ, તરસથી દુ:ખી થઇ જાય છે અને તેનું શરીર બહાર તથા અંદર બળવા લાગે છે, તેની બેચેની એટલી વધી જાય છે કે તે ક્યારેક બેસે છે. ક્યારેક સૂઇ જાય છે, તો ક્યારેક તરફડવા લાગે છે, ક્યારેક ઊભો થાય છે અને ક્યારેક અંહી-તહીં દોડવા લાગે છે. આ પ્રમાણે તે નરપશુના શરીરમાં જેટલાં રુવાડાં હોય છે, તેટલાં હજાર વર્ષો સુધી તેની દુર્ગતિ થતી રહે છે. ૧૪ જે પુરુષ કોઇ પ્રકારની આપત્તિ ન આવી હોય તો પણ વૈદિક માર્ગને છોડીને બીજા પાખંડયુક્ત ધર્મનો આશ્રય લે છે, તેને યમદૂત અસિપત્રવન નરકમાં લઇ જઇને કોરડાઓથી મારે છે. જ્યારે તે આ મારથી બચવા માટે આમ-તેમ દોડવા લાગે છે, ત્યારે તેનાં બધાં શરીરનાં અંગો તાલવનના તલવારની સમાન ધારદાર પાંદળાઓથી જેમાં બન્ને બાજુ તિક્ષ્ણ ધાર હોય છે તેના વડે છિન્ન-ભિન્ન થવા લાગે છે. ત્યારે તે અત્યંત દુ:ખથી ‘હાય, હું મરી ગયો !’ આ પ્રમાણે રુદન કરતો ડગલે ને પગલે મૂર્ચ્છિત થઇને પડી જાય છે. પોતાના ધર્મને છોડીને પાખંડમાર્ગમાં ચાલવાથી તેને આ પ્રકારે કુકર્મનું ફળ ભોગવવું પડે છે. ૧૫

આ લોકમાં જે પુરુષ રાજા અથવા રાજાના કર્મચારી થઇને કોઇ ર્નિંર્ઈોષ મનુષ્યને દંડે છે અથવા બ્રાહ્મણને શરીરદંડ દે છે, તે મહાપાપી મરીને સૂકરમુખ નરકમાં પડે છે. ત્યાં જ્યારે મહા બળવાન યમદૂત તેના અંગોને કચરે છે, ત્યારે તે (ઘાણીમાં ઓરવામાં આવતા શેરડીના સાંઠાઓની જેમ) દુ:ખી થઇને જેવી રીતે આ લોકમાં તેના દ્વારા દુ:ખી થયેલ પ્રાણીઓ રોઇ-રોઇને બરાડતાં હતાં, તેવી જ રીતે તે ક્યારેક આર્ત્તસ્વરથી ચીસો પાડે અને ક્યારેક મૂર્ચ્છિત થઇ જાય છે.૧૬

જે પુરુષ આ લોકમાં માંકડ વગેરે જીવોની હિંસા કરે છે, તે તેમનો દ્રોહ કરવાને કારણે અંધકૂપ નરકમાં પડે છે. કારણ કે સ્વયં ભગવાને રક્તપાન વગેરે કરવાની વૃત્તિ બનાવી છે અને તેને તેથી બીજાને દુ:ખ થશે એવું જ્ઞાન પણ નથી; પરંતુ મનુષ્યની વૃત્તિ ભગવાને વિધિ-નિષેધ પૂર્વક બનાવી છે અને તેને બીજાને દુ:ખ થશે એવું જ્ઞાન પણ છે. ત્યાં તે પશુ, મૃગ, પક્ષી, સર્પ વગેરે (ઘસડાઇને ચાલતાં) જંતુઓ, મચ્છર, જૂ માકણ અને માખી વગેરે જીવો જેમનો તેને દ્રોહ કર્યો હતો તેઓ બધા તે જીવને ચારે બાજુથી કાપીને ખાય છે. તેથી તેની ઊંઘ અને શાન્તિ ભંગ થઇ જાય છે અને ક્યાંય સ્થાન ન મળવાથી બેચેનીને કારણે તે ઘોર અંધકારમાં એવી રીતે ભટક્તો રહે છે, જેવી રીતે રોગગ્રસ્ત શરીરમાં જીવ તડફડે છે. ૧૭

જે મનુષ્ય આ લોકમાં પંચમહાયજ્ઞ કર્યા વિના તથા જે કંઇ મળે છે તે કોઇ બીજાને આપ્યા વિના પોતે જ ખાઇ જાય છે, તેને કાગડા જેવો કહેવામાં આવે છે. તે પરલોકમાં કૃમિભોજન નામના અધમ નરકમાં પડે છે. ત્યાં એક લાખ જોજન લાબાં અને પહોંળા એક કીડાનો કુંડ છે. તેમાં તેને પણ કીડો બનીને રહેવું પડે છે; અને જ્યાં સુધી પોતાના પાપોનું પ્રાયશ્ચિત નહીં કરનાર તે પાપીને કોઇને કંઇ આપ્યા વિના અને હવન કર્યા વિના પોતે ખાવાનો જે દોષ લાગ્યો છે તેનું પ્રાયશ્ચિત થઇ જતું નથી ત્યાં સુધી તે જીવ તે કીડાઓને ખાય છે. ૧૮ હે રાજન્‌ ! આ લોકમાં જે વ્યક્તિ ચોરી અથવા બળજબરીથી બ્રાહ્મણનું અથવા આપત્તકાળ વિના પણ કોઇ બીજા પુરુષનું સોનું, રત્ન અને ધન વગેરેની ચોરી કરે છે, તેના મૃત્યુ પછી યમદૂત સંદંશ નામના નરકમાં લઇ જઇને ગરમ કરેલ લોઢાના ડામ દે છે. અને ચીપિયાથી તેની ચાંબડી ઉતારે છે. ૧૯ આ લોકમાં જો કોઇ પુરુષ ન કરવા યોગ્ય સ્ત્રી સાથે સંભોગ કરે છે અથવા કોઈ સ્ત્રી અગમ્ય પુરુષથી વ્યભિચાર કરે છે, તો યમદૂત તેને તપ્તસૂર્મિ નામના નરકમાં લઇ જઇને કોરડાઓથી મારે છે તથા પુરુષને તપાવેલ લોઢાની સ્ત્રીના પુતળા સાથે આલિંગન કરાવે છે અને સ્ત્રીને તપાવેલ પુરુષના પુતળાની સાથે આલિંગન કરાવે છે. ૨૦ જે પુરુષ આ લોકમાં પશુ વગેરેની સાથે વ્યભિચાર કરે છે, તેને મૃત્યુ પછી યમદૂત વજ્રકંટકશાલ્મલી નરકમાં નાખે છે અને વજ્રની સમાન કઠોર કાંટાવાળા શીમળાના વૃક્ષપર ચડાવીને પછી નીચે તરફ ખેંચે છે. ૨૧ જો રાજા અથવા રાજપુરુષ આ લોકમાં શ્રેષ્ઠ કુળમાં જન્મ લઇને પણ ધર્મની મર્યાદાનું ઉલંઘન કરે છે, તેને કારણે તેના મરણ પછી તેને વૈતરણી નદીમાં નાખી છે. ત્યાં નદી નરકોની ખાઇની સમાન હોય છે; તેમાં મળ, મૂત્ર, પરું, રક્ત, કેશ, નખ, હાડકાં, ચરબી, માંસ અને મજ્જા વગેરે ગંદી વસ્તુઓ ભરેલી હોય છે. તેમાં પડ્યા પછી તેને બધી બાજુથી મગર, મચ્છ આદિ પાણીના જીવો ચીરી ખાય છે. પરન્તુ તેનાથી તેનું શરીર છૂટતું નથી, પાપને કારણે પ્રાણ તેને ધારણ કરી રાખે છે અને તે દુર્ગતિનું ફળ પોતાના કર્મફળની સજા સમજીને મનમાં ને મનમાં દુ:ખી થયા કરે છે. ૨૨ જે મનુષ્ય શૌચ અને આચારના નિયમોનો ત્યાગ કરીને અને મર્યાદા ઉલ્લંઘન કરીને આ લોકમાં શુદ્ધજાતીની સ્ત્રીની સાથે સંબંધ બાંધીને પશુની સમાન આચરણ કરે છે તે મર્યા પછી પરુ, વિષ્ઠા, મૂત્ર, કફ અને મળથી ભરેલ પૂયોદ નામના સમુદ્રમાં પડીને તે અત્યંત ઘૃણિત વસ્તુઓને ખાય છે. ૨૩ આ લોકમાં જે બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ણના લોકો કૂતરાં અથવા ગધેડાંને પાળે છે અને મૃગયાદિ કરવા વડે શિકાર વગેરે કરે છે, તથા પશુઓનો વધ કરે છે, તેમના મર્યા પછી તે પ્રાણરોધ નામના નકરમાં પડે છે અને ત્યાં યમદૂતો તેને લક્ષ્ય બનાવીને બાણોથી વીંધે છે. ૨૪

જે પાખંડી મનુષ્યો પાખંડપૂર્ણ યજ્ઞોમાં પશુઓનો વધ કરે છે, તેમને પરલોકમાં વિશસન નરકમાં નાખીને ત્યાંના અધિકારી તેને બહુ દુ:ખ આપીને કાપે છે. ૨૫ જે દ્વિજ કામાતુર થઇને પોતાની સવર્ણા પત્નીને વીર્યપાન કરાવે છે, મર્યા પછી તે પાપીને યમદૂત વીર્યની નદી લાલાભક્ષ નામના નકરમાં નાખીને વીર્ય પિવડાવે છે,૨૬ જે કોઇ ચોર અથવા રાજા અથવા રાજપુરુષો આ લોકમાં કોઇના ઘરમાં અગ્નિ લગાડે છે, કોઇને ઝેર આપીને મારી નાખે છે, અથવા ગામ અથવા વ્યાપારીઓની મંડળીઓને લૂંટી લે છે, તેના મર્યા પછી સારમેયાદન નામના નરકમાં વજ્રની જેમ તીક્ષ્ણ દાંતો વાળા સાતસો વીસ યમદૂતો કૂતરાઓ બનીને જોર-જોરથી કાપીને ખાય છે. ૨૭ આ લોકમાં જે પુરુષ કોઇની સાક્ષી દેવામાં, વ્યાપારમાં અથવા દાન આપતી વખતે કોઇ પણ પ્રકારનું ખોટું બોલે છે, તેના મરણ પછી આધારશૂન્ય અવીચિમાન્‌ નરકમાં પડે છે. ત્યાં તેને સો જોજન ઊંચા પહાડના શિખર પરથી ઊંધા માથે નીચે ફેંકે છે. તે નરકની પથ્થરની જમીન પાણી જેવી લાગતી હોય છે તેથી તેનું નામ અવીચિમાન છે. ત્યાં તેને ફેંકવાથી તેના શરીરના ટુકડે-ટુકડા થઇ જવા છતાં પણ પ્રાણ નીકળતા નથી; તેથી તેને વારંવાર ઉપર લઇ જઇને નીચે ફેંકે છે. ૨૮ જે બ્રાહ્મણ અથવા બ્રાહ્મણી અથવા વ્રતનું પાલન કરતી કોઇ પણ વ્યક્તિ પ્રમાદવશ થઇને મદ્યપાન કરે છે તથા જે ક્ષત્રિય અથવા વૈશ્ય સોમપાન (ક્ષત્રિઓ અને વૈશ્યો માટે સોમપાન કરવાનું શસ્ત્રોમાં નિષેધ છે.) કરે છે, તેને યમદૂત અયઃપાન નામના નરકમાં લઇ જાય છે અને તેની છાતીપર પગ રાખીને મોઢામાં અગ્નિથી ઓગાળેલ લોઢાનો રસ નાખે છે. ૨૯ જે પુરુષ આ લોકમાં નિમ્ન વર્ણનો હોવા છતાં પણ પોતાને મોટો માનવાને કારણે જન્મ, તપ, વિદ્યા, આચાર, વર્ણ અથવા આશ્રમમાં પોતાથી મોટાનો વિશેષ આદર સત્કાર નથી કરતો, તે જીવતો છતાં પણ મરેલાની સમાન છે. મર્યા પછી તેને ક્ષારકર્દમ નામના નરકમાં ઊંધા માથે નાખે છે. અને ત્યાં તેને અનંત પ્રકારની પીડા ભોગવવી પડે છે. ૩૦ જે પુરુષ આ લોકમાં નરમેધ વગેરે યજ્ઞોદ્વારા ભૈરવ, યક્ષ, રાક્ષસ વગેરેનું યજન કરે છે અને જે સ્ત્રીઓ પશુઓની જેમ પુરુષોને ખાઇ જાય છે, તેમને પશુઓની જેમ મારવા આવેલા તે પુરુષો યમલોકમાં રાક્ષસો થઇને અનેક પ્રકારની યાતનાઓ દે છે અને રક્ષોગણભોજન નામના નરકમાં કસાઇની જેમ કુહાડીથી કાપી-કાપીને તેમનું રક્ત પીવે છે. તથા જેમ તે માંસાહારી પુરુષ આ લોકમાં તેનું માંસ ભક્ષણ કરીને જે રીતે આનંદિત થતો હતો, તેવી રીતે તે પણ તેનું રક્ત પાન કરે છે અને આનંદિત થઇને નાચ-ગાન કરે છે. ૩૧ આ લોકમાં જે મનુષ્ય વન અથવા ગામના નિરપરાધી જીવોને કે જે બધા પોતાના પાણોને રાખવા ઇચ્છે છે, તેમને જુદા જુદા ઉપાયોથી લલચાવીને પોતાની પાસે બોલાવી લે છે અને પછી તેને કાટાંઓથી વીંધીને અથવા રસ્સીથી બાંધીને મજાક કરવા ખાતર અનેક પ્રકારની પીડાઓ દે છે, તેને પણ મર્યા પછી યમયાતનાઓના સમયે શૂલપ્રોત નામના નરકમાં શૂળીથી વીંધવામાં આવે છે. તે સમયે તેને ભૂખ-તરસ સતાવે છે અને કંક, બટેર વગેરે તીક્ષ્ણ ચાંચોવાળાં નરકનાં ભયાનક પક્ષીઓ ખાવા લાગે છે, ત્યારે તેમને પોતે કરેલ બધાં પાપ યાદ આવે છે. ૩૨

હે રાજન્‌ ! આ લોકમાં જેઓ સર્પની જેમ ઉગ્ર સ્વભાવવાળા પુરુષો બીજા જીવોને પીડા પહોંચાડે છે, તેઓ મર્યા પછી દંદશૂક નામના નરકમાં પડે છે. ત્યાં પાંચ અને સાત મોઢાવાળા સર્પો તેમની પાસે આવીને તેમને ઉદરોની જેમ ખાઇ જાય છે. ૩૩ જે વ્યક્તિ આ લોકમાં બીજાં પ્રાણીઓને અંધારી ખીણો, કોઠા અથવા ગુફાઓમાં નાખી દે છે, તેને પરલોકમાં યમદૂતો તેવાં જ સ્થાનોમાં નાખીને ઝેરી અગ્નિના ધૂમાડામાં ગુંગળાવી મારે છે. તેથી આ નરકને અવટનિરોધન કહે છે. ૩૪ જે ગૃહસ્થ પોતાને ઘેર આવેલ અતિથિઓ કે અભ્યાગતોની સામે વારંવાર ક્રોધથી કુટિલ નેત્રોથી જુવે છે, જાણે તેને ભસ્મ કરી દેશે, તે જ્યારે નરકમાં જાય છે, ત્યારે તે પાપીની આંખોને ગીધો, કાગડા અને બટેર વગેરે વજ્રની સમાન કઠોર ચાંચોવાળાં પક્ષીઓ બળપૂર્વક કાઢી લે છે. આ નરકને પર્યાવર્તન કહે છે. ૩૫ આ લોકમાં જે વ્યક્તિ પોતાને મોટો ધનવાન સમજીને અભિમાનવશ બધાને વાંકી નજરથી જુવે છે અને બધા ઉપર શંકા રાખે છે, ધનનો ખર્ચ અને નાશની ચિંતાથી જેનું હ્રદય અને મુખ શોષાયેલા રહે છે, તેથી થોડું પણ સુખચેન નહીં માનીને જે યક્ષની સમાન ધનની રક્ષામાં જ લાગ્યો રહે છે તથા પૈસા ભેગા કરવા, વધારવા અને બચાવવામાં જે અનેક પ્રકારનાં પાપ કર્યા કરે છે, તે નરાધમ મર્યા પછી સૂચીમુખ નરકમાં પડે છે. ત્યાં તે અર્થપિસાચ પાપાત્માના બધાં અંગોને યમરાજના દૂતો દરજીઓની જેમ સોય-દોરાથી સીવે છે. ૩૬ હે રાજન્‌ ! યમલોકમાં આ જ પ્રમાણે અનેક હજારો નરકો છે. તેમાંથી આંહીયાં જેનો ઉલ્લેખ કર્યો છે અને જેમના વિષે કશું કહેવામાં આવ્યું નથી, તે બધા અધર્મપરાયણ જીવો પોતાના કર્મને અનુસારે વારંવાર નરકોમાં જાય છે. અને ધર્માત્મા પુરુષ સ્વર્ગ વગેરેમાં જાય છે. આ પ્રમાણે નરક અને સ્વર્ગના ભોગથી જ્યારે એમના અધિકાંશ પાપો અને પુણ્ય ક્ષીણ થઇ જાય છે, ત્યારે બાકી બચેલાં પુણ્યપાપરૂપકર્મને લઇને ફરીથી આ લોકમાં જન્મ લેવા માટે આવે છે. ૩૭ આ ધર્મ અને અધર્મ બન્નેથી વિલક્ષણ એવો જે નિવૃત્તિ માર્ગ છે, તેનું તો આગળ (બીજા સ્કંન્ધમાં) જ વર્ણન થઇ ગયું છે, પુરાણમાં જેમનું ચૌદ ભુવનના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે, તે બ્રહ્માંડકોશ એટલો જ છે. આ સાક્ષાત્‌ પરમ પુરુષ શ્રીનારાયણ પોતાની માયાના ગુણોથી યુક્ત અત્યંત સ્થૂળ સ્વરૂપ છે. એનું વર્ણન મેં તમને સંભળાવ્યું, પરમાત્મા ભગવાનનું ઉપનિષદોમાં વર્ણિત નિર્ગુણ સ્વરૂપ જો કે મન- બુદ્ધિની પહોંચથી બહાર છે તો પણ જે પુરુષ આ સ્થૂળ રૂપનું વર્ણન આદરપૂર્વક વાંચે છે, સાંભળે છે અથવા સંભળાવે છે, તેની બુદ્ધિ શ્રદ્ધા અને ભક્તિને કારણે શુદ્ધ થઇ જાય છે અને ભગવાનના તે સૂક્ષ્મરૂપનો પણ અનુભવ કરી શકે છે. ૩૮

યતિજનોએ ભગવાનનાં સ્થૂળ અને સૂક્ષ્મ બન્ને પ્રકારના રૂપોનું વર્ણન કરીને પહેલાં સ્થૂળ રૂપમાં ચિત્તને સ્થિર કરવું જોઇએ, પછી ધીરે-ધીરે ત્યાંથી હટાવીને તેને સૂક્ષ્મ સ્વરૂપમાં લઇ જાવું જોઇએ. ૩૯ હે પરીક્ષિત્‌ ! મેં તમારી આગળ પૃથ્વી, અને તેના અંતર્ગત દ્વીપો, ખંડો, નદીઓ, પર્વતો, આકાશ, સમુદ્ધો, પાતાળ વગેરે લોકો તથા દિશા, જ્યોર્તિગણ, ભુવનો અને નરકોની સ્થિતિનું વર્ણન કર્યું. આ જ ભગવાનનું અદ્ભૂત સ્થૂળ રૂપ છે કે જે સમસ્ત  જીવસમુદાયનો આશ્રય સ્થાન છે. ૪૦

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે નરક વર્ણન નામનો છવીસમો અધ્યાય સંપૂર્ણઃ (૨૬)

 

ઇતિ પંચમ સ્કંધ સમાપ્ત