જેતલપુર ૩: દુર્વાસના ટાળવાનો ઉપાય. લાજ ત્યજી ભગવદ્‌ભક્તિ તથા નામોચ્ચાર કરવું

Submitted by swaminarayanworld on Sun, 17/01/2016 - 5:22pm

જેતલપુર ૩: દુર્વાસના ટાળવાનો ઉપાય. લાજ ત્યજી ભગવદ્‌ભક્તિ તથા નામોચ્ચાર કરવું.

સંવત્‌ ૧૮૮૨ ના ચૈત્ર સુદિ પ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે પોતાને રહેવાનો જે મોહોલ તેની આથમણી કોરે સમીપે જે ફુલવાડી તેને વિષે પ્રાતઃકાળે પધાર્યા હતા. ને તે વાડીને મધ્યે મોટું બોરસડીનું વૃક્ષ તેની હેઠે વેદિકા ઉપર ગાદી તકીયે સહિત જે ઢોલિયો તે ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ચંપાના તથા બોરસડીના તથા ગુલદાવદીના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે ચમેલી ને ડોલરિયાના તોરા લટકતા મેલ્યા હતા, ને શ્રવણ ઉપર હજારી પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, ને બે હસ્તકમળને વિષે દાડમ તથા લીંબુના ફળને ફેરવતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ ઘડીક સુધી વિચારીને એમ બોલ્યા જે, સર્વે સાંભળો એક વાર્તા કરીએ છીએ જે, ‘‘ભગવાનના ભક્તને દુષ્ટ વાસના રાખવી તેથી બીજું કાંઇ ભૂંડું નથી, કાં જે દુષ્ટવાસનાવાળા ભક્ત છે તે અમારે સમીપે રહે છે, તો પણ તે સુખીયા નથી રહેતા, કેમ જે તેમણે પ્રભુ ભજતાં પ્રથમ એમ માગ્યું હતું જે, હે મહારાજ ! તમારી સમીપે રાખજો પણ દુષ્ટવાસના ટાળી નહિતે સારૂં દુઃખીયા છે.’’ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, ‘‘હે મહારાજ ! એ દુષ્ટવાસના કેમ ટળે ?’’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘‘દુષ્ટવાસનાટાળવાનો તો એ ઉપાય છે જે, જ્યારે અમે બાંધી એવી જે ધર્મ મર્યાદા તેથી બહાર સંકલ્પ થાય તથા કોઇ હરિજનના તથા સંતના અભાવનો સંકલ્પ થાય ત્યારે નરનારાયણ સ્વામિનારાયણ એમ વારમવાર ઉંચ્ચે સ્વરે કરીને નામ ઉચ્ચારણ કરવું અને બીજું માહાત્મ્યે સહિત ને ધર્મે સહિત ભગવાનની નવ પ્રકારની ભક્તિ કરે ત્યારે ભગવાન તેના હૃદયમાં નિવાસ કરીને દુર્વાસનાને નાશ પમાડે છે, જેમ ગજને ગ્રાહના મુખ થકી ભગવાને છોડાવ્યો એ પ્રકારે દુષ્ટવાસના ટાળવાનો ઉપાય કહ્યો. ને વળી તમારા સર્વેના હીતને કરે એવો બીજો ઉપાય કહું છું તેને તમે સાંભળો જે, પંચ વર્તમાન સંબંધી જે પોતાની ધર્મ મર્યાદા તેનું જાણીને તો ક્યારેય ઉલ્લંઘન કરવું નહિ, અને જો અજાણે તેનું ઉલ્લંઘન થાય તો તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરવું ને પોતાનું સ્વરૂપ સાક્ષી માનવું જે સંકલ્પ તથા નાના પ્રકારના તર્ક તે થકી પર જે ચૈતન્યરૂપ આત્મા તે હું છું. ને મને સહિત જે દેહ તે હું નહિ એમ વિચારે ને ભગવાન કોઇના સામું જોઇને હસ્તા હોય વા કોઇને બોલાવતા હોય વા બીજાં ગમે તેવાં ચરિત્ર કરે તેમાં કોઇ દહાડે અભાવ ન લેવો, તેવી રીતની સમજણ રાખવી. અને વળી કોઇ એમ જાણે છે જે મેંતો મહારાજને બહુ ભજ્યા ને ઘણીક સેવા કરી પણ આપણને તો મહારાજ બોલાવતા નથી, ને બીજાને તો બહુ બોલાવે છે, ત્યારે આપણે ઘેર બેઠા જ પ્રભુ ભજશું એમ અવગુણ લે છે. ત્યારે અમે પણ એમ ધારીએ જે, એ જીવને ને અમારે શું ? તો એ જીવનું કાંઇ ઠેકાણું રહે નહિ પણ અમે તો કોઇનો અવગુણ લેતા જ નથી અને અમારો સ્વભાવ તે તો સદા ગુણગ્રાહક જ છે ને હવે એ ભક્તને ગુણગ્રહણ કરવો ને અવગુણ ટાળવો તેનો ઉપાય કહીએ છીએ જે, એ ભક્ત એમ વિચારે જે હું સત્સંગ મોહોર કેવો હતો તો કાળ, કર્મ, જન્મમરણ, ચોરાશી તેનો ભોક્તા હતો તે મને સર્વે થકી છોડાવીને નિર્ભય કીધો, ને રૂડા ગુણ આપીને મોટો કીધો, તે ભગવાનનો અભાવ હું કેમ લઉં, ને પ્રભુનું ગમતું મુકીને પોતાનું ગમતું કેમ કરૂં? એમ વિચારીને અભાવ ન લે ત્યારે તે સુખીયો થાય છે, અને જે આજ દેહે કરીને ભગવાનનું ગમતું કરવું એથી બીજી વાત કોઇ મોટી નથી. ને એજ ભક્તિ છે. ને એણે કરીને જ ભગવાનને પમાય છે માટે માન, ઇર્ષ્યા તથા કામ, ક્રોધ, લોભ એ આદિક કલ્યાણના વિરોધી છે. તે સર્વેને ત્યાગ કરવા; ને તેમાં માન છે તે તો અતિ ભૂંડામાં ભૂંડું છે. તે જુઓને બીજા વર્તમાનમાં કાંઇ કાચ્યપ થોડી ઘણી હોય તો પણ સત્સંગમાં નભ્યો જાય છે. પણ માનવાળા તો નભી શક્યા જ નહિ, માટે હે સંતો ! નિર્માન આદિક વર્તમાનમાં કોઇ દિવસ ચુક પડવા દેશો નહિ. અતિ કુશળ રહેવું અને દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું જાણવું અને શ્રીપુરૂષોત્તમ એવા શ્રીનરનારાયણ તેમની નિરંતર ખટકે સહિત ભક્તિ કરવી, ને ભગવાનની અખંડ સ્મૃતિએ સહિત ભજન કરવું તે તો ભગવાનના પ્રગટ દર્શનના સુખ તુલ્ય છે, બીજું આપણા સત્સંગમાં શાસ્ત્ર ભણતાં આવડે તેણે કરીને કાંઇ મોટો નહિ. ત્યારે કોણ મોટો ? તો ચૌદલોક પર્યંત તૃણ સમાન જાણે એવા વૈરાગ્યની અવધિએ યુક્ત હોય, અને જેમ દેહને વિષે આત્મબુદ્ધિ છે તેમ પરમાત્મા જેપુરૂષોત્તમ તેમના સ્વરૂપની દૃઢતા સાક્ષાત્કાર બોધે યુક્ત હોય, ને સુષુપ્તિને વિષે જેમ જગતની વિસ્મૃતિ છે તેમ જાગ્રત અવસ્થાનેવિષે જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે એવો જે હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે.’’

ઇતિ વચનામૃતમ્‌ જેતલપુરનું  ।।૩।। ૨૩૨ ।।

Tuseday, 12th April, 1826

નોંધ – આ વચનામૃતનો સમાવેશ વડતાલ દેશની આવૃતિમાં નથી.