અશ્લાલી ૧ : ઐશ્વર્યાર્થી, કૈવલાર્થી ને ભગવન્નિષ્ઠાર્થીનાં લક્ષણો

Submitted by swaminarayanworld on Sun, 17/01/2016 - 3:00pm

અશ્લાલી ૧ : ઐશ્વર્યાર્થી, કૈવલાર્થી ને ભગવન્નિષ્ઠાર્થીનાં લક્ષણો.

સંવત્‌ ૧૮૮૨ના ચૈત્ર શુદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ નગરથી વાજતેગાજતે ચાલ્યા તે સાયંકાળે ગામ શ્રીઅશ્લાલીએ પધાર્યા. ને તે ગામથી ઉત્તરાદિ દિશે આંબાવાડીયામાં ઉતર્યા, ને ત્યાં મંચઉપર વિરાજમાન થયા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે સુંદર પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષેપુષ્પના તોરા લટકતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમે શ્રીજીમહારાજ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક સાધુ સર્વે પ્રત્યે એમ બોલ્યા જે, “સર્વેસાંભળો એક વાત કરવી છે જે, જે ભક્તને ભગવાનનું સ્વરૂપ જાણવાને વિષે કાંઈક ન્યૂનતા રહે છે તેને મોટી ખોટ આવે છે.ને ભગવાન જે પુરૂષોત્તમ જેને શ્રીકૃષ્ણ કહીયે, જેને શ્રીવાસુદેવ કહીયે, જેને શ્રીનરનારાયણ કહીયે, જેને પરબ્રહ્મ કહીયે, જેનેશ્રીનારાયણ કહીયે, તેનું યથાર્થ સુખ પણ આવતું નથી, ને એકાંતિક ભક્ત થવાતું નથી માટે એકાંતિક એવા જે ભગવાનનાજ્ઞાની ભક્ત તેમનો સમાગમ કરીને જ્ઞાનની દઢતા કરવી, કેમ જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની દઢતા વિના તો પ્રજાપતિઆદિ લઈને જે જગતના સૃષ્ટા છે તે પણ વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે, ને પાછા અંતે માયાને વિષે જ લીન થાય છે,પણ શ્રીપુરૂષોત્તમ ભગવાનના અક્ષરધામને તો એ પામતાજ નથી. તે શા સારૂં તો તેમની સમજણમાં ભુલ છે.” ત્યારે સર્વેમુનિ બોલ્યા જે, “હે મહારાજ ! એમને વિષે શી જાતની ભુલ છે તે કહો,” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો એમની ભુલકહીયે તે સાંભળો જે, એક તો પોતાની મુક્તિ થવી તેને વિષે પોતાની ક્રિયાનું જ બળ સમજે છે પણ ભગવાનના આશરાનું બળનથી સમજતા ને બીજાું અક્ષરરૂપ થઈને જે શ્રીપુરૂષોતમનારાયણની સેવા કરવી તેજ મુક્તિ છે. એમ નથી માનતા એ ભુલછે. અને ત્રીજું રામકૃષ્ણાદિક ભગવાનના અનંત અવતાર તેને તો એ સર્વે અંશ કરીને જાણે છે. એજ એમને વિષે મોટી ભૂલછે. ને ચોથું એમ જે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થતી હશે ? એકવાર જોઈએ તો ખરા, એવો સંકલ્પ પોતાના મનમાં પૂર્વેમૃત્યુસમે રહ્યો હતો. તે સંકલ્પ જોઇને ભગવાને તેમને બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિ કર્મને વિષે જોડ્યા છે તે જ્યારે ભગવાનનાએકાંતિક ભક્તના સમાગમે કરીને સમ્યક્‌ પ્રકારે જ્ઞાનને પામશે ત્યારે જ બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામને પામશે ને મહાસુખીયા થશે, માટે ભગવાનના જે ભક્ત તેમણે ભગવાનની સેવા વિના બીજી ઈચ્છા રાખવી નહિ, ને ભગવાનના ભક્ત પણત્રણ પ્રકારના છે તે લક્ષણે કરીને જાણવા. તેમાં જે ભગવાનને ભજીને વિશ્વની ઉત્પત્ત્યાદિક સામર્થ્યને ઈચ્છે છે તે ભક્તનેઐશ્વર્યાર્થી જાણવો ને કનિષ્ઠ જાણવો ને જે કેવળ આત્માના સ્વરૂપને જાણવાને અર્થે ભગવાનને ભજે તેને કૈવલ્યાર્થી જાણવો.ને તે ભક્તને મધ્યમ જાણવો. ને ત્રીજો જે પ્રત્યક્ષ પુરૂષોત્તમ ભગવાનની નિરંતર અનન્યપણે કરીને સેવાને વિષે નિષ્ઠા રાખે છેતેને ભગવન્નિષ્ઠાર્થી જાણવો, ને તે ભક્તને સર્વથકી ઉત્તમ જાણવો, માટે આપણ તો સર્વે પ્રગટ પ્રમાણ શ્રીનરનારાયણ તેનીનિષ્ઠાવાળા છીએ, માટે ઉત્તમ છીએ એમાં કાંઈ સંશય નથી,” એવી રીતે શ્રીજીમહારાજનાં વચન સાંભળીને સર્વે પરમઆનંદને પામતા હવા.”

ઇતિ વચનામૃતમ્‌ અશ્લાલીનું ।।૧।। ૨૨૯ ।।

Monday, 9th April, 1826

નોંધ – આ વચનામૃતનો સમાવેશ વડતાલ દેશની આવૃતિમાં નથી.