વિદુર નીતિ અધ્યાય - ૮

Submitted by swaminarayanworld on Sat, 16/01/2016 - 11:36pm

સહજ શત્રુ

સજ્જનોથી માન પામ્યા છતાં જે મનુષ્ય અભિમાન રહિત રહીને પોતાની શક્તિ પ્રમાણે કામ કરે છે, તે સત્પુરુષને તત્કાળ યશ પ્રાપ્ત થાય છે, કારણ કે પ્રસન્ન થયેલા સજ્જનો સુખ આપવા સમર્થ છે. ૧

બીજાઓએ અડચણ નાખી ન હોય છતાં જે મનુષ્ય અધર્મથી મળતા અર્થલાભનો ત્યાગ કરે છે, તે મનુષ્ય જુની કાંચળીનો ત્યાગ કરનાર સર્પની જેમ દુઃખથી મુક્ત થઇને સુખેથી નિદ્રા લે છે. ૨

અસત્ય બોલીને વિજય મેળવવો, રાજા પાસે ચાડી ખાવી અને ગુરુ આગળ મિથ્યા આગ્રહ કરવો, એ બ્રહ્મહત્યા કરવા બરાબર છે. ઇર્ષ્યા કરવીએ ખરેખર મૃત્યુ જ છે, વધારે પડતું બોલવું એ લક્ષ્મીનો નાશ કરનારું છે અને ગુરુની સેવા કરવી નહિ, ઉતાવળ કરવી તથા આત્મ શ્લાઘા કરવી એ ત્રણ વિદ્યાના શત્રુ છે. ૩-૪

આળસ, મદ, મોહ, ચપળતા, વાતોડિયાપણું, ઉદ્ધતાઇ, અભિમાન અને લોભ આ સાત સર્વદા વિદ્યાર્થીઓના દોષ મનાય છે. ૫

સુખની ઇચ્છાવાળાને વિદ્યા ક્યાંથી હોય ? અને વિદ્યાની ઇચ્છાવાળાને સુખ ક્યાંથી હોય ? માટે સુખની ઇચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો અને વિદ્યાની ઇચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો. ૬

અગ્નિ લાકડાંથી તૃપ્ત થતો નથી, મહાસમુદ્ર નદીઓથી તૃપ્ત થતો નથી, મૃત્યુ સર્વ પ્રાણીઓથી તૃપ્ત થતું નથી અને સ્ત્રી પુરુષોથી તૃપ્ત થતી નથી. ૭

નાશ કરનાર વસ્તુ

હે રાજન્‌ ! આશા ધૈર્યનો નાશ કરે છે, કાળ સમૃદ્ધિનો નાશ કરે છે, ક્રોધ લક્ષ્મીનો નાશ કરે છે, કુપણતા યશનો નાશ કરે છે, અરક્ષણ પશુઓનો નાશ કરે છે અને કોપાયમાન થયેલો એક બ્રાહ્મણ આખા દેશનો નાશ કરે છે. ૮

મંગળ વસ્તુઓ

હે રાજન્‌ ! બકરાં, કાંસું, રૂપુ, મધ, ઝેર ચૂસનારું મહોરું, પક્ષી, વૈદિક બ્રાહ્મણ, વૃદ્ધ જ્ઞાતિજન અને પડતીમાં આવેલો કુલીન, એટલા તમારે ઘેર સદૈવ રહો. હે ભારત ! બકરો, બળદ, ચંદન, વિણા, આરસો, મધ, ઘી, લોઢું, તાંબાનું પાત્ર, દક્ષિણાવર્ત શંખ, શાલિગ્રામ અને ગોરોચન આટલી મંગલકારક વસ્તુઓ દેવ, બ્રાહ્મણ તથા અતિથિઓની પૂજાને માટે ઘરમાં રાખવી. એમ મનુએ કહ્યું છે. ૯-૧૧

હે તાત ! હું તમને આ સર્વોત્તમ પુણ્યકારક અને મંગળદાયી વાત કહું છું કે, કામ, ભય અને લોભથી જીવિતને માટે પણ કદી ધર્મનો ત્યાગ કરવો નહિ. ૧૨

અવિનાશીનો આશ્રય

ધર્મ નિત્ય છે અને સુખ દુઃખ અનિત્ય છે, કેમ કે જીવ નિત્ય છે અને તેના કારણરૂપ અવિદ્યા અજ્ઞાન અનિત્ય છે. માટે તમે અનિત્યનો ત્યાગ કરીને નિત્ય વસ્તુમાં નિષ્ઠા રાખો અને સંતુષ્ટ રહો. કારણ કે સંતોષ એ મોટો લાભ છે. ૧૩

જુઓ મહાબળવાન અને મહાન મહિમાવાળા રાજાઓ પણ ધનધાન્યથી ભરેલી પૃથ્વી ઉપર રાજ્ય કરીને તે રાજ્યો તથા વિશાળ વૈભવોને છોડી મૃત્યુને વશ થયા છે. ૧૪

હે રાજન્‌ ! દુઃખ વેઠીને મોટો કરેલો પુત્ર પણ મરણ પામે છે, તો મનુષ્યો તેને ઉપાડીને પોતાના ઘરમાંથી દૂર લઇ જાય છે, તેઓ કેશ છૂટા મૂકીને કરુણ સ્વરે રડે છે, પણ પછી તેને કાષ્ટની જેમ ચિતામાં નાખી દે છે.૧૫

મરણ પામેલા મનુષ્યનું ધન બીજો માણસ ભોગવે છે, તેમ જ પક્ષીઓ અને અગ્નિ તેમના શરીરની સાત ધાતુઓને ખાઇ જાય છે, તે મરનાર તો પુણ્ય તથા પાપ એ બન્નેથી વીંટાઇને તેમની સાથે પરલોકમાં જાય છે. ૧૬

હે તાત ! ફળફુલ વિનાના ઝાડનો જેમ પક્ષીઓ ત્યાગ કરે છે, તેમ જ્ઞાતિજનો, સ્નેહિઓ અને પુત્રો મરનારના દેહને છોડીને પાછા વળે છે.૧૭

અગ્નિમાં નાખેલ પુરુષની પાછળ તેનું કરેલું કર્મ જાય છે, માટે પુરુષે પ્રયત્નથી ધીરે ધીરે ધર્મનો સંગ્રહ કરવો. આ લોકથી ઉપર રહેલા સ્વર્ગથી તથા આલોકની નીચે પાતાળમાં મહાન અંધતામિસ્ર નામનું નરક છે. તે નરક ઇન્દ્રિયોને મહા મોહ કરનારું છે, એમ જાણો. હે રાજન્‌ ! રખે તમને એ નરક મળે. ૧૮-૧૯

મારાં આ વચન સાંભળીને તમે જો તે સર્વ સમજવા સમર્થ થશો તો તમે મનુષ્યલોકમાં ઉત્તમ યશ પામશો અને તમને આ લોકમાં તથા પરલોકમાં ભય થશે નહિ. ૨૦

હે ભારત ! આત્મા એ એક નદી છે, તેમાં પુણ્ય એ ઓવારો છે, બ્રહ્મ તેનું ઉત્પત્તિસ્થાન છે, ધૈર્ય તેના કિનારા છે અને દયા તેના તરંગ છે. જે પુણ્યકર્મવાળો પુરુષ તેમાં સ્નાન કરે છે,(પોતાના આત્મા સ્વરૂપને ઓળખે છે)  તે પવિત્ર થાય છે. નિત્ય લોભ રહિત સ્થિતિ એ જ પુણ્ય છે. ૨૧

કામ તથા ક્રોધરૂપી મગરવાળી અને પાંચ ઇંદ્રિયોરૂપી જળવાળી સંસારનદીમાં તમે ધૈર્યરૂપી નૌકાનો આશ્રય કરીને જન્માદિ દુઃખને તરી જાઓ. ૨૨

કોણ દુઃખી થાય નહિ ?

કયું કાર્ય કરવું અને કયું ન કરવું, આ સંબંધમાં જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૃદ્ધ એવા પોતાના સંબંધીને માન આપીને તથા પ્રસન્ન કરીને પૂછે છે, તે કોઇ દિવસ મુંઝાતો નથી. ૨૩

ધૈર્યથી શિશ્ન તથા ઉદરની રક્ષા કરવી, નેત્રથી હાથો તથા પગોની રક્ષા કરવી, મનથી આંખ તથા કાનની રક્ષા કરવી અને કર્મથી મન તથા વાણીની રક્ષા કરવી. ૨૪

જે બ્રાહ્મણ નિત્ય યોગ્ય સમયે સ્નાન સંધ્યા કરે છે, નિત્ય જનોઇ ધારણ કરે છે, નિત્ય વેદાધ્યયન કરે છે, પતિતના અન્નનો ત્યાગ કરે છે, સત્યબોલે છે અને ગુરુની સેવા કરે છે, તે બ્રહ્મલોકથી ભ્રષ્ટ થતા નથી. ૨૫

જે ક્ષત્રિય વેદનો અભ્યાસ કરી, અગ્નિહોત્ર કરી, યજ્ઞોથી દેવોનું પૂજન કરી તથા પ્રજાનું પાલન કરી ગાય અને બ્રાહ્મણને માટે શસ્ત્રથી હણાય છે અથવા સંગ્રામમાં પ્રાણ નિચ્છાવર કરે છે, તે પવિત્ર ચિત્તવાળો થઇને સ્વર્ગમાં જાય છે. ૨૬

જે વૈશ્ય વેદાધ્યયન કરી, યોગ્ય સમયે બ્રાહ્મણો, ક્ષત્રિયો તેમ જ આશ્રિતોને ધનનો વિભાગ આપી અને ગાર્હપત્ય, આહ્વનીય તથા દક્ષિણાગ્નિ આ ત્રણ અગ્નિનો પુણ્ય પવિત્ર ધુમાડો સુંઘી ખોળિયું છોડે છે, તે સ્વર્ગમાં દિવ્ય સુખો ભોગવે છે. ૨૭

જે શુદ્ર બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્યની અનુક્રમે યથાયોગ્ય સેવા કરે છે, એ બ્રાહ્મણાદિ સંતુષ્ટ થવાથી દુઃખરહિત તથા પાપરહિત થાય છે અને દેહ ત્યાગ પછી સ્વર્ગમાં સુખ ભોગવે છે. ૨૮

યુધિષ્ઠિરને રાજ્યાસન પર બેસાડવા માટે વિનંતિ

આ મેં તમને ચારે વર્ણનો ધર્મ કહ્યો. તે કહેવાનું તમે આ કારણ સમજો કે, પાંડુપુત્ર યુધિષ્ઠિર પૃથ્વીપાલનરૂપી ક્ષાત્રધર્મથી ભ્રષ્ટ થયા છે, માટે હે રાજન્‌ ! તમે તેને રાજધર્મમાં જોડો. ૨૯

ધૃતરાષ્ટ્ર બોલ્યા :- હે સૌમ્ય ! તું મને નિત્ય આવો સત્ય ઉપદેશ આપે છે. મને પણ મનમાં થાય છે કે તું મને કહે છે તેમજ કરું, પાંડવો પ્રત્યે મને હમેશાં એવી બુદ્ધિ થાય છે, પણ દુર્યોધન મને મળે છે અને તે બધું ફરી જાય છે. ૩૦-૩૧

દૈવનું સામર્થ્ય

કોઇ પણ પ્રાણી દૈવને ઓળંગી શકે તેમ નથી. મને તો લાગે છે, દૈવએ જ સાચું છે અને પુરુષાર્થ તો નિર્થક છે. ૩૨

ઇતિ શ્રીમહાભારતે ઉદ્યોગપર્વ અંતર્ગત પ્રજાગરપર્વમાં વિદુરનીતિવાક્યનો અષ્ટમો અધ્યાયઃ ।।૮।।